શનિવાર, 10 માર્ચ, 2012

વેપાર વસ્તુ: તંદુરસ્ત ડાળીઓ વધારતું એપલનું નવું જ આઈ‘પેડ’

“એપલની કોઈ પ્રોડક્ટ ખરીદવી એટલે ૯૯ વાર વિચાર કરીને ૧૦૦મી વારે ખરીદવા જવું જ જોઈએ.”

એવું કોઈ કથન સ્ટિવાજી જોબ્સ મહારાજે  કહ્યું નથી. એ તો મારું માનવું છે. અલબત્ત તેની વસ્તુઓ (બીજી પ્રોડકટ્સની સરખામણીએ) મોંઘી જરૂર કહી શકાય. પણ તોયે એના જેવી ૧૦૦% ક્વોલિટી કોણ આપી શકે છે?
નવું આઈ-પેડ (ઇનડાયરેકટલી નંબર-૩ કહી શકાય) જે હજુ સાતમી માર્ચે જ જાહેર થયું. તેના ઓફિશિયલ લોન્ચિંગ પ્રોગ્રામ જોવા માટે બીજાં કામો બાજુએ મુકીને પણ સવા કલાકનો સમય નેટ પર અલગ ફાળવ્યો.  
પણ પછી સવાલ એ થયો છે કે એ ખરીદવું જોઈએ?

મને તો ઘણું જ મન છે. આમ તો કોઈને વગર કહ્યે દેવું કરીને પણ ઘી પી શકું છું. પણ પત્નીને અવગણી કેમ શકાય?!?!?- જ્યાં બીજી ઘણી ઘરેલું વસ્તુઓ માટે હું તેની સાથે ‘બ્રેઇન-વોશ કે સ્ટોર્મિંગ કરતો હોઉં ત્યારે આ બાબતે પણ પહેલા તો તેને મનાવવી પડે ને પછી એ માટે ઉંચી કેશ પણ ચૂકવવી પડે.

…પણ એને કહેવાની હિંમત થાય તો ને? ગયા વર્ષે આઈફોન-4S પર આ લેખ તો લખાઈ ગયો. પણ તેનો અનુભવ મેળવવા માટે અમારા એક સગા-વ્હાલાને મનાવવા પડ્યા એટલે થોડાં દિવસો માટે કામ થઇ ગયું પણ હવે ઈ પેડના બંધાણી (એડિક્શન) થ્યા પછી બાપુ કરે પણ હુ?..?!?!….

ખૈર, એ જ્યારે આવશે ત્યારે વાત. ત્યાં સુધી આ નવા કહેવાતા આઈપેડમાં ઘણું બધું નવું શું આવવાનું છે. એ વિશે તમને સૌને જણાવી દઉં..
 • રેટિના-ડિસ્પ્લે: અત્યાર સુધી કોઈ પણ કોમ્પ્યુટર, ટી.વી કે મોબાઈલમાં ન આવી હોય તેવી દ્રશ્ય-ટેકનોલોજી. સમજોને કે…ભમરાના પગમાં ચોંટેલી પરાગરજ પણ (તેના પગે પડ્યા વગર) ઝૂમ કર્યા વિના જોઈ શકાય.
 • સુપર A5X પ્રોસેસર: સેકંડમાં ચાલુ થઈ એકસાથે ૪-૫ કાર્યો કરી શકે તેવી સંત-ક્રિયા કરવા શક્તિમાન!..એ પણ સતત ૧૦ કલાક સુધી.
 • 4G LTE : સુપર ફાસ્ટ ડાઉનલોડ થઇ શકે એવી અલ્ટ્રા બેન્ડવિથ. ઓનલાઈન ફિલ્મ ક્લિક કરતા જ જોવા મળે…ટૂંકમાં ૩G કરતા ચાર કદમ આગળ. 
 • વોઇસ-ડિકટેશન: બહુ ટાઈપ કર્યું બકા!…હવે બક બક કરીને લખાવડાવવાની તક પણ કી-બોર્ડમાં જ મળશે. (જો જો પાછા રોઝી નામની સેક્રેટરીની રોજી હમણાં ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હોં!)
 • ૫ મેગાપિક્સલ કેમેરા: જ્યાં બીજા કેમેરા ૩.૨ MPથી આગળ ન વધ્યા હોય ત્યારે…પાંચમાં પૂછાઈ શકો તેવા આગળ અને પાછળ ફોટા પાડતો કેમેરો.
 • HD Movie Recording: હોલીવુડ સ્ટાઈલની ફિલ્મો હવે હોમમાં પણ પાડવી હોય તો?…..બીજું કશું નહિ યા હોમ! કરીને એક વાર આઈપેડનો બટન દબાવી દેવાનો…સીના સાથે પસીનો પણ ચોખ્ખો દેખાશે એની ગેરેંટી એ આપે છે…યા આ આ ર!.
 • આઈફોટો પ્રોગ્રામ: મારું માનવું છે કે..એના જેવી ફોટો-ટેકનોલોજીનો નહિ જડે જોટો. ફોટો પાડ્યા પછી (એવી કલાકારીગરી બહુ ન આવડતી હોય તો પણ) તમે એમાં ઘણો બધો ફેરફાર કરી શકો..જેમ કે, લાલ થયેલી આંખને શાંત કરવું તો સામાન્ય છે. સાથે સાથે અંધારામાં કોણ ન દેખાયું હોય તેને અજવાળામાં લાવવા…કાચી લાગતી લીલી કેરીનો રંગ કાચી સેકંડમાં કેસરી કરવો, કચ્છના રણમાં પાડેલા ફોટોને કાશ્મીરના બરફમાં ફેરવવો…વગેરે..વગેરે… (ફોટોશોપ !…અબ તુજે કુછ ઓર કરના પડેગા પ્યારે!)
હઉફફફ…ચિયર્સ કહી કેશ પણ કરી શકાય એટલા લાંબા ફિચર્સ અને પ્રોગ્રામ્સ વાળું લિસ્ટ છે. બધું જોવું હોય યા પછી માણવું હોય તો અમેરિકા કે લંડનમાં રહેતા તમારા કોઈ સગાં કે વ્હાલીને જરા ખરીદવા મજબૂર કરી દેજો. કેમ કે એ દેશોમાં જ આ આવતા વીકે દુકાનમાં આવી જવાનું છે. એટલે તમારું પણ કામ થઇ જાય!
અને…છેલ્લે…

મેં તો મારી પત્નીને આ નવો આઈપેડ લેવા માટે મનાવી લીધી છે. એમ કહીને કે…
“જો દોસ્ત, તારા ડેડી-મમ્મી સાથે ઇન્ડિયા વારંવાર લાઈવ વાત જોવા-કરવાનો આપણે સૌને એક નવો જ મોકો મળી રહ્યો છે. મુક તારા આ ૬ મહિના જુના મોબાઈલને બાજુ પર. ચાલ લઇ આવીએ આ..આઇઇ……ચ્ચ !!!!”

સર‘પંચ’:

આ સાઈમનભાઈ તો એના બીજા આઈપેડ ચમત્કાર અને ચમકાર સાથે પણ હાજર છે.


શુક્રવાર, 9 માર્ચ, 2012

વેપાર-વિચિત્ર: નેટ પર આ રીતે ‘સરળતાથી માર્કેટ’ મેળવી શકાય છે…

સેમસંગ ‘પંચ’

 • અન્ય કોઈ પણ સરળ (કહેવાતું) ઈલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ ઉપકરણ ખરીદી લાવો. ને પછી…
 • કાં તો અધીરા થઇ તુરંત એ વસ્તુને બોક્સમાંથી બહાર કાઢી વાપરવાનું ચાલુ કરી દો. અથવા…
 • શાંત રહી એ વસ્તુ ‘સરળતાથી’ કરી રીતે વાપરવી તેની માહિતી માટે યુઝવલી બોરિંગ થવાય તેવી ૧૦-૧૫ ભાષામાં પ્રિન્ટ થયેલા યુઝર-ગાઈડમાંથી માત્ર એક વાર જાણી. ને પછી…
 • મહિનાઓ બાદ ધૂળ ચડેલી હાલતમાં પસ્તીમાં નાખી દો.
પણ સેમસંગનો (એન્દ્રોઈડ બેઝ્ડ) ટોક્કો-લાઈટ મોબાઈલ લાવો ત્યારે ઉપર મુજબ બધું કરવાને બદલે સાચે જ સરળતા આપે તેવી ગાઈડ પણ કાઢી ને પછી વિડીયો-ક્લિપ મુજબ વાપરવાનું શરુ કરી લ્યો……..


એટલે જ સેમસંગ જેવી કંપની પોતાના આવા ઘણાં ક્રિયેટીવ-કાર્યો વડે આજે એપલ કંપની સાથે ખરી ટક્કર લઇ રહ્યું છે. આવું મેન્યુઅલ કાંઈ ઓટોમેટિક થોડું બની જાય છે….

ગ્રાહકને સરળતા મળે એવી વસ્તુ કે સેવા માર્કેટમાં આપણે આપી તો શકીએ છીએ. પણ ‘સરળતા’ ખરેખર ક્યાં સુધી ટકે છે…?!?!?!  હવે બીજા કરતા સાવ જ હટકે કામ તમે તમારી કોઈક એવી પ્રોડક્ટ માટે કર્યું હોય યા પછી કરવાનો કોઈ પ્લાન હોય તો જણાવશો?

બીજગણિત સર ‘પંચ’

વિષયનું સાચું ‘બીજ’ ગણિત આ રીતે…

સ્કૂલ અભ્યાસ વખતે મને બીજગણિત તરફ અણગમો ખરો. પણ નફરત નહિ.
ત્યારે (A +B)2   =  A2 + 2AB + B2  ખરેખર કઈ રીતે થાય છે?- એ જણાવવા વાળા કોઈ માસ્તર ન હતા. પાછલી પોસ્ટ માં જણાયું તેમ…માસ્તરથી માસ્ટર આમ બતાવીને પણ બની શકાય છે..

હવે તો બીજા ઘણાં હોઈ શકે. પણ આજે માહિતી-મહાસાગરમાં જો આપણને ઘર બેઠે વિડીયો દ્વારા આવા બીજગણિતને બહુ સરળતાથી પચાવવું હોય તો આ માસ્ટર બાવાજી…. ખુરશીદ બાટલીવાલા પાસેથી પણ દિમાગનું ‘ઢક્કન’ ખોલવા શરમાવું જોઈએ?!!!- જરાય નહીં બાપલ્યા!


બોલો હવે તમે ભલે માસ્તર ન હોઈ શકો પણ આવા અનેકવિધ વિષયોમાં સમજાવવાની માસ્ટરી હોય તો ઈન્ટરનેટ પર તમારો વિડીઓ પણ મૂકી શકો છો, તમારી સ્કિલ્સનું વેચાણ આ રીતે પણ થઇ શકે છે…ખરુને? –
એની વે…જ્યારે પણ મુકો એટ-લિસ્ટ આ નેટ-દોસ્તને જણાવજો. સાહેબ!

“વિદ્યાર્થીને સારા માસ્તર કરતા સરળ માસ્ટરની સતત શોધ રહેતી હોય છે.” - મુર્તઝાચાર્ય

બ્લોગ તમારો…લેખ અમારો….વાચા આપણા સૌની! – નેટ વેપાર પર!
 

સોમવાર, 5 માર્ચ, 2012

વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

 • તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
 • તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
 • તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
 • તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
 • તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?
ઉપરના સવાલોમાંથી એક વાર જવાબ ‘હા’ હોય તો આજની લેખ-પોસ્ટ નેટ પર તમારા ભાવિના આલેખને વધુ મજબૂત કરી શકે છે.

સ્કિલશેર.કોમ. www.skillshare.com
 
આ નામ આમ તો આપણને ગમી શકે એટલા માટે કે એમાં ‘શેર’ કરવાની વાત છે…શાયરી કરવાની નહીં . પણ આ સાઈટ તમારી સ્કિલને શેર કરાવી તમારા જ્ઞાન થાકી ‘શાસન’ (કે સાસણ?!) કરાવી શકે છે.
 • તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !
 • પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !
 • કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !
 
શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)

સ્કિલશેરની…તક-વાળી બાબતો:

 • તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
 • “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
 • તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
 • દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
 • તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
 • તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
 • જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.
એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.

“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”- અરેબિક કહેવત.