શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: આપણે સૌ વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરિયાતો….સાવ જુઠ્ઠા લોકો!


સબૂર… સબૂર… સબૂર…પ્લિઝ દોસ્તો, આજનું આવું ટાઈટલ વાંચી મને દોષ ન દેજો…. મારા પર હૂમલો ન કરતા….આ બાબતે હું ‘સાહિત્યિક નાજુક’ વ્યક્તિ છું. હાય રે!

મારાથી આ બ્લોગજગતમાં આવું કાંઈ ખોટુ બોલાય?….લખાય? તમને સૌને કેટલું ‘ખોટું’ લાગે નહિં?- પણ દોસ્તો! હું બીજું કરી પણ શું શકું જ્યારે મારા માર્કેટિંગ ગુરુ સેઠ ગોડીન જ બોલી-સંભળાવી જાય તો? એમની ‘ગુરુવાણી’ ને થોડી ધિક્કારી શકું?

આ તો ૬ વર્ષ પહેલાં એ શેઠજીએ જ્યારે આવા ‘યુનાઈટેડ જુઠ્ઠાણા’ વિશે ફોર્ચ્યુન મેગેઝીનની કોલમમાં કટકે કટકે વાત કરીને All Marketers Are Liars નામે બૂક બહાર પાડી ત્યારે મને પણ થયું કે માણસે આ ‘જુઠ્ઠાણા’ વિશે વાત તો સાવ સાચી વાત કીધી છે. એટલે એ વાતની અસર જોવા માટે મને પણ આટલાં વર્ષો લેવા પડ્યા.

આપણી એક સાચી માન્યતા છે કે…‘જો દીખતા હૈ વહી બિકતા હૈ!’’-

પણ ઈન્ટરનેટ પર દર સેકન્ડમાં વધતી જતી વેપારીક હરિફાઈમાં તે ખોટી પડી રહી છે. હવે તો જો કહેતા હૈ…જો સુનતા હૈ…જો દીખતા હૈ વહી બીકને જા રહા હૈ.
લાઈફમાં ભલેને આપણે ભગવદગીતા પર, બાઈબલ પર યા કુરાન-એ-શરીફ પર હાથ મુકીને “સચ બોલને કી કસમ” ખાધી હોય કે ન ખાધી હોય પણ..પણ..પણ.. એક વાત તો સાઆઆઅ વ સો ટકે સાચી કે…જ છે કે વેપારમાં અથવા કેરિયરમાં, સંબંધો વિકસાવવામાં, લાભ ખાટી લેવામાં આપણે સૌ રત્નો ઘણી વાર જૂઠનો સહારો લઇ લેતા હોઈએ છીએ.

જસ્ટ યાદ કરી લો….આપણે છેલ્લે જુઠ્ઠુ બસ થોડાં સમય પહેલા જ બોલ્યા હોઈશું……બોલો સાચુ કીધું ને?

સેઠ ગોડીન સાહેબે આ જૂઠના મૂળને પકડી શું સાચું છે એની વાત એમની All Marketers Are Liars માં કરી છે. તદ્દન એવું પણ નથી કે જૂઠી આ દુનિયાના રંગમાં રંગાઈને દરેક લોકો પોતાનો અસલી રંગ છુપાવે છે. પણ સામેની વ્યક્તિને તેને ગમતો રંગ બતાવી ‘સત્સંગ’ કરવામાં માહિર એવી ઘણી વ્યક્તિઓ, વેપારીઓ, કંપનીઓ, મંડળો, જૂથો વગેરે વગેરે…પોતાનો હેતુ સિદ્ધ કરે છે. કેમ કે સાધુ હો યા શેતાન દરેકને પોતાનું કામ સાધવાનું હોય છે.

આ જુઠ એટલી હદે સામેવાળી વ્યક્તિ કે જૂથને અસર કરે છે કે વસ્તુ કોઈ પણ વેચવાની હોય, સેવા આપવાની હોય, તક ઝડપી લેવાની હોય, નોકરી મેળવવાની હોય, મત ભેગા કરવાના હોય, લોકોને ફસાવવા/ફોસલાવવાની બાબત હોય…..જુઠ કે બિના ભી ક્યા જીના ! એની આવી વાત દ્વારા બૂકની શરૂઆત થઇ છે.
        શું કામ, શાં માટે, કેવી રીતે  આવી રચના કે ત્રાગુ કે છટકુ રચવાની લોકોને જરૂર પડે છે…એ વિશે વિગતવાર સાચા પોઈન્ટસ પકડવા હોય તો All Marketers Are Liars ને હાથમાં પકડી લેજો.
  • હું તને પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન કરીશ?.
  • સર! અમારી પ્રોડક્ટ બીજી હરીફ કંપનીઓ કરતા ઘણી આદર્શ છે, સસ્તી છે. મજબૂત છે…બોલો મને ઓર્ડર આપો છો?
  • સાહેબ! હું બવ ગરીબ છું. પપ્પા કોઈ કામ ધંધો કરતા નથી. મારા પર ઘર નભે છે એટલે આ નોકરી મને આપો તો ભગવાન તમારું ભલું કરશે.
આવા અડીયલ વાક્યો સમજ્યા વગર, પરિસ્થિતિને સમજ્યા/જાણ્યા વગર… બોલવામાં આવે ત્યારે હાથને બદલે લાફો, ઓર્ડરને બદલે ધક્કો, અને નોકરીને બદલે ‘ના’કારો મળે ત્યારે બીજી આશા નકામી. એવા મજાના સ્વપનશીલ કામો માટે શારીરિક વીરતા બતાવવાને બદલે જેન્યુઈન વાર્તા રચવી પડે છે. હવા મહેલને બદલે માહોલ બનાવવો પડે છે.
        આવું કઈ રીતે બને અથવા બનાવી શકાય?- એ માટે All Marketers Are Liars પુસ્તક લેવા- જવા ખરીદવાની હિંમત કરવી પડશે તો કાંઈક કામ થયું કહેવાય.  

હવે સેઠભાઈએ આવી કઠીન લાગતી બાબતોને એક ઉપાય દ્વારા ઘણી સરળ બનાવી દીધી છે. જેનું નામ છે કથા-વાર્તા.

કથા”!!!…આ શબ્દ કેટલાંક લોકો માટે ‘થાક’ છે અને કેટલાં લોકો માટે ‘થીક-જ્યુસ…એ તો કોણ કેવુ કરે છે અને આપણે એમાંથી શું લઈએ છીએ તેના પર આધાર છે. વેપારના સંદર્ભમાં એ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ વધારે સફળ થઇ છે જેની પાછળ કે સાથે કોઈક કથા રચવામાં આવી હોય. પછી ભલેને એ વાત હેરી પોટરની હોય કે હરિ પુત્રની.

વાતને ગળે ઉતારવા માટે ગળચટ્ટી બનાવવી જ પડે છે. એવું સેઠ સાહેબ આ બૂકમાં મોણ નાખીને કહી ગયા છે. હા! એ વાતનો વસવસો છે કે ગોડીન બાપા ‘આપડા ગુજરાત’માં ફરક્યા નથી. એટલે એમના ઉદાહરણોમાં અમેરિકાની કંપનીઓની જ કથા કરવામાં આવી છે. જો એ લખ્યા પહેલા એક વાર પણ આવ્યા હોત તો ‘કથાકોશ’ નામનો મોટો સંદર્ભ આપણી દરેક લાઈબ્રેરીઓમાં આવી ‘પડ્યો’ હોત.

હવે જો તમને તમારી વસ્તુને/ સેવાને નેટ પર ‘ગ્લોબલાઇઝ્ડ’ જ બનાવવી હોય તો ધોળકાની ધરતીથી બહાર નીકળી ન્યુયોર્કની નદીમાં પણ તરવું પડશે. ‘આહ’ થી વાહ! મેળવવા આવો પ્રવાહ ગુમાવવો ન પાલવે! તો પછી હવે…
  • ઉતારો પેલાં મસાલેદાર મમરાને…મેનહટ્ટનના મેદાનમાં…
  • શેકાવા દો પેલાં ખારા સીંગ-ચણાને સિંગાપોરના સેરેન્ગૂનના ‘લિટલ ઇન્ડિયા’માં…
  • તળાવા દો પંચોતેર પ્રકારના પાપડને પેરિસના પેલેસમાં…
શું કામ?… કયા કયા કારણોસર?…ક્યાં ક્યાં?… કઈ રીતે?- એ વિશે મસ્તાની ભાષામાં જાણવું હોય તો ‘All Marketers are Liars’ ને આંખોમાં વસાવી પડશે. 

આવી કેટલીયે ‘શઠ’ ન બનવાની ‘સાચી’ વાત વાત શ્રી ‘શેઠ’ ગોડીને એમના આવા ‘જુઠ્ઠા’ પુસ્તકમાં કરી છે.
વિશ્વના એક લાખ વીસ હજાર જેટલાં તો ઉદાહરણો હાલ પૂરતા આપવા શક્ય નથી. પણ એટ લીસ્ટ: એવા ગરમાગરમ બજારના ઉત્કૃષ્ઠ દાખલાઓમાં: એપલ કંપની આખે આખી પ્રોડક્ટસ રેન્જ,  ગૂગલની સર્વાધિક સેવાઓ, ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓની કેટલીક પેદાશો, સેવાઓની વાતને આ બૂક દ્વારા ‘ઘન્નામાં પણ થોડી થોડી’ વિગતો આપીને કરવામાં આવ્યું છે.

આ પુસ્તકને હું વાર્તા-માર્કેટિંગની ગીતા નથી કહી શકતો. પણ એમાં વાર્તા રચી માર્કેટની શ્રુષ્ટિ રચવાની વાતની ઉપયો‘ગીતા’ જણાવવામાં આવી છે તેને સ્વીકારી સતત આગળ વધવાની વાત કરું છું.
કર્મ થકી જ તો સ‘ફળ’તા મળે છે ને…આમેય ‘ફ્રિ’ શું મળે છે…?

અંતમાં, હવે આ જુઠ્ઠી વાત વિશે વાંચ્યા પછી સેઠ ગોડીન સાહેબના જ શબ્દોમાં (અલબત્ત મારા શબ્દોમાં) એક ખરેખર સાચી વાત જણાવવી છે…..

“……દરેકે દરેક માર્કેટર, વેપારી, ધંધાર્થી કાંઈ જુઠ્ઠા નથી હોતા. એ તો વાર્તા દ્વારા એમની વાતને તમારા મગજમાં ઠસાવવાની કળા કરે છે. જો તમે સાચી વાતને જુઠથી સાબિત કરી શકો તો એ જુઠ પછી જુઠ નથી રહેતું…….એટલે જ હું પણ આ બુકનું ટાઈટલ લખી થોડું જુઠ્ઠુ બોલ્યો છું. કેમ કે જો એમ ના કર્યું હોત તો તમે મારી બૂક (કે આ બ્લોગ-પોસ્ટ) વાંચવા પ્રેરાત……કે નહિં?”

સચ-સૂર‘પંચ’

ઓયે બલ બી ર!…અબ તુસી બતાઓ તે કી મૈ જુઠ બોલેયા?…..ઇ’કે મૈ કુફુર તૌલેયા… ઇ’કે મૈ ઝહર ઘોલયા….કોયના જી કોયના!”