- જે શોમાં ખોટેખોટું ડરાવી-ધમકાવી, ચાકુ-છુરીથી કાપાકાપી કરી લોહી રેડવામાં આવતું હોય એવા શો ને શું કહેશો?- હોરર શો, ખરુને?
- જે વ્યક્તિ નકલી માસ્ક-મેકઅપ કરાવી કરી ફિલ્મો દ્વારા બીજાને બીવડાવવાનું કામ કરે એને શું કહેશો?- રામસે બ્રધર્સ, રાઈટ?
- જે દેશની હોરર ફિલ્મો આલમમાં મશહૂર હોય તે દેશનું શું નામ? – બ્રિટન, બરોબરને?
આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે….
- જે ચાકુ-છુરી તો ચલાવે છે, કાપાકાપી કરે છે પણ જાન લેવાને બદલે પોતાના વ્યવસાયમાં જાન રેડી દે છે….
- જે નકલી માસ્ક તો નથી પહેરતો કે ખોટો મેક-અપ નથી કરતો પણ જે સાચું છે તે મોં-ફાટ જણાવી દે છે કે દાળમાં ક્યાં કાળું છે…
- જે ખરેખર બ્રિટીશ છે અને જેણે ‘રામસે’ બની ડરાવ્યા કે ધમકાવ્યા વિના ફિલ્મો પણ બનાવી છે. તોયે તેની ફિલ્મો હોરર નથી પણ હોટ હોય છે….
યેસ!..એનું નું નામ છે….ગોર્ડન રામસે. જે બ્રિટનનો એક મશહૂર રસોઈયો છે. શક્ય છે વર્ષોથી લંડનમાં રહેતા આપણા કોઈક વાંચક-બંધુઓને તેના વિશે થોડી વધું જાણકારી હોય.
આમ જોવા જઈએ તો બ્રિટનની ખાસ અને નામાંકિત વ્યક્તિઓ માટે ગોર્ડનભાઈ આંગળી-ચાટું રેસિપી બનાવવામાં અગ્રેસર છે. પણ તેમ જોવા જઈએ તો ટી.વી-ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરીને વન-મેન રામસે બ્રધરે વ્યાવસાયિક ધોરણે શો કરી સામાજિક કાર્ય કર્યું છે.
હવે સવાલ એ થાય કે સામાજિક-કાર્ય અને તે પણ વ્યાવસાયિક રીતે ???-
બિલકુલ સાચું! દોસ્તો. વાંચ્યા પછી તમને પણ થશે કે બરોબર વાત થઇ છે.
થયું એવું કે….૨૦૦૪ની સાલમાં એક ન્યુઝપેપરમાં તેણે પોતાના ‘શેફ’ વેપારને લગતો એક સર્વે વાંચ્યો કે…
બ્રિટનના
ખાઉં-પીઉં શોખીન લોકોને ઘણી મશહૂર રેસ્ટોરેન્ટની સર્વિસ માફક નથી આવતી.
ઘણું સારુ નામ ધરાવતી હોય એવી ખાણીપીણીમાં આજકાલ ‘ટેસ્ટ’ જેવું નથી
રહ્યું….વગેરે…વગેરે….
વાંધાવચકાથી ભરેલા એ લેખમાં ચાલો એક રેસ્ટોરેન્ટની વાત હોય તો સમજ્યા. પણ આ તો ઘણી બધી ‘રામભરોસે’
થતી હોય ત્યારે??? હાયલા!…આવા સમાચાર દેશની બહાર બહુ જ ફેલાઈ જાય
તો….કેટલી ઈજ્જત જાય !!!…ખાણીપીણીનો ધંધો ખુદ પાણીમાં બેસી જાય ને!!!
ત્યારે ‘શાક’મગ્ન થઇ ચિકન સમારતા ગોર્ડનદાસ શેફને ‘કાંઈક થવું જોઈએ…કરવું જોઈએ….’
એવો વિચાર મનમાં તો ઉગી નીકળ્યો. પણ તેને ‘શેફ’-ડિપોઝીટમાં મુકવાને બદલે
લોકોની વચ્ચે મુકીને આ વિચારને જ કાપી નાંખવાનો નિર્ણય કર્યો. આઈડિયા
દોડાવ્યો કે….
“લાવ જોવા તો દે…આ બધાં રેસ્ટોરંટીયાઓ એવી શું ભૂલો કરે છે જેના થકી આપણા નાગરિકોના મન પર કબજીયાત થયો છે.”
સેલિબ્રિટીઝના સેવક એવા ગોર્ડનસાબને લંડનની ચેનલ-૪ની ઓફિસે (નિયમિત રીતે રામરામ કરનારા) ડાઈરેક્ટર પણ મળી ગયા. ને શરુ કર્યો સાચો જ રિયાલિટી શો!...‘રામસે’ઝ કિચન નાઇટમેર’.
દર અઠવાડિયે એક એપિસોડમાં કોઈક એવી રેસ્ટોરન્ટને પકડી મુલાકાત લેવામાં આવી જેમના વિરુદ્ધ ગ્રાહકો તરફથી ખાટી
વાતો સંભળાતી. બ્રધર રામસે કેમેરા લઇ આવી જાતે ઉભા રહી તેમના ખોરાકમાં
રહેલી ખાટી બાબતોને જાણી. સર્વિસમાં આવેલી ખોટી બાબતોને પકડી ઉપાય સૂચવ્યો.
ને હવેથી એવું ના થાય તે માટે તકેદારી પગલાં પણ કેવા લેવા તેની ટીપ્સ
મૂકી.
એટલું જ નહિ…
રામસે સાહેબે શરૂઆતમાં જ્યાં જ્યાં જઈ નમક ખાધું હતું ત્યાં ત્યાં થોડાં
મહિનાઓ બાદ ફરીવાર તેની મુલાકાત લીધી. અને જે સૂચનો આપવામાં આવ્યા તેના પર
અમલ થયુ કે નહીં તેનું મોનિટરિંગ પણ કર્યું.
બસ પછી શું?- ઉજડી જવા ગયેલી ઘણી રેસ્ટોરન્ટસ ઉજળી જવા
લાગી. ટેસ્ટ્સ, સર્વિસ અને પરિણામ સુધારાજનક મળે પછી ખાનારને-પીનારને અને
પીરસનારને પ્રોફિટ દેખાય એવું આપણે સૌ ધંધાધારીઓને થોરામાં જ ઘન્નું બધ્ધું
સમજાઈ ચ જાયે ને!
૨૦૦૯માં
રામસે બાપુ એ વર્લ્ડ ઇકોનોમી ક્રાયસિસ દરમિયાન થાળે બેસેલી જણાતી ફૂડ
ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રાધાન્ય આપી ચેનલ-૪ પર પોતાના શોમાં વખતોવખત દર્શકોને
અપીલ પણ કરી કે “દોસ્તો, તમને સારું જીવવું હોય તો એવી રેસ્ટોરન્ટ ને મરવા ન દેશો જે હજુયે તમને ભાવતું ભોજન આપે છે.”
ચિકન–શાક
પકવવાના સામાજીક ધંધામાં ગોર્ડન બાપુના માથે તો ઘણાં માછલાંઓ ધોવાયાની
ઘટનાઓ પણ બની છે. પણ તેઓ એ બધીયે ફિશને ‘ટાયટાય -ફિશ’ કરી ફિનિશ કરતા રહ્યા
છે.
આ તો થોડાં જ
ફકરાઓમાં ગોર્ડન રામસેના આ ઉદાહરણને કાચું-પાકું બનાવી ગરમ કરી આપ લોકોની
સમક્ષ થોડું જ પીરસવું પડ્યું છે. તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે.
બોલો હવે આ બાબા રામસે એ પણ ….આવું સામાજિક કાર્ય…પ્રોફેશનલી! કર્યું ને?
“આપણને
ઘણીવાર સાચી વાતો કડવી લાગે છે પણ તેની પાછળ રહેલુ મીઠું પરિણામ સુખાકારી
હોય છે.” – આવા વાક્યો જાતે જ પચાવવા ‘જીગર’ જોઈએ….જીગરી દોસ્ત જોઈએ!” ને
‘શેફ’આચાર્ય જેવો મિત્ર પણ…