શુક્રવાર, 11 મે, 2012

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.
 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ
અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો


$100Startup-Book
.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.
મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.
જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,
  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.
આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”
એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:


 જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?


બુધવાર, 28 માર્ચ, 2012

વેપાર વ્યક્તિત્વ: ઉજડી ગયેલી રેસ્ટોરેન્ટ્સને ઉજાળતો એક અનોખો રસોઈયો..

  • જે શોમાં ખોટેખોટું ડરાવી-ધમકાવી, ચાકુ-છુરીથી કાપાકાપી કરી લોહી રેડવામાં આવતું હોય એવા શો ને શું કહેશો?- હોરર શો, ખરુને?
  • જે વ્યક્તિ નકલી માસ્ક-મેકઅપ કરાવી કરી ફિલ્મો દ્વારા બીજાને બીવડાવવાનું કામ કરે એને શું કહેશો?- રામસે બ્રધર્સ, રાઈટ?
  • જે દેશની હોરર ફિલ્મો આલમમાં મશહૂર હોય તે દેશનું શું નામ? – બ્રિટન, બરોબરને?
આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે….
  • જે ચાકુ-છુરી તો ચલાવે છે, કાપાકાપી કરે છે પણ જાન લેવાને બદલે પોતાના વ્યવસાયમાં જાન રેડી દે છે….
  • જે નકલી માસ્ક તો નથી પહેરતો કે ખોટો મેક-અપ નથી કરતો પણ જે સાચું છે તે મોં-ફાટ જણાવી દે છે કે દાળમાં ક્યાં કાળું છે…
  • જે ખરેખર બ્રિટીશ છે અને જેણે ‘રામસે’ બની ડરાવ્યા કે ધમકાવ્યા વિના ફિલ્મો પણ બનાવી છે. તોયે તેની ફિલ્મો હોરર નથી પણ હોટ હોય છે…. 
યેસ!..એનું નું નામ છે….ગોર્ડન રામસે. જે બ્રિટનનો એક મશહૂર રસોઈયો છે. શક્ય છે વર્ષોથી લંડનમાં રહેતા આપણા કોઈક વાંચક-બંધુઓને તેના વિશે થોડી વધું જાણકારી હોય. 
   
આમ જોવા જઈએ તો બ્રિટનની ખાસ અને નામાંકિત વ્યક્તિઓ માટે ગોર્ડનભાઈ આંગળી-ચાટું રેસિપી બનાવવામાં અગ્રેસર છે. પણ તેમ જોવા જઈએ તો ટી.વી-ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરીને વન-મેન રામસે બ્રધરે વ્યાવસાયિક ધોરણે શો કરી સામાજિક કાર્ય કર્યું છે.

હવે સવાલ એ થાય કે સામાજિક-કાર્ય અને તે પણ વ્યાવસાયિક રીતે ???-

બિલકુલ સાચું! દોસ્તો. વાંચ્યા પછી તમને પણ થશે કે બરોબર વાત થઇ છે.
થયું એવું કે….૨૦૦૪ની સાલમાં એક ન્યુઝપેપરમાં તેણે પોતાના ‘શેફ’ વેપારને લગતો એક સર્વે વાંચ્યો કે…
બ્રિટનના ખાઉં-પીઉં શોખીન લોકોને ઘણી મશહૂર રેસ્ટોરેન્ટની સર્વિસ માફક નથી આવતી. ઘણું સારુ નામ ધરાવતી હોય એવી ખાણીપીણીમાં આજકાલ ‘ટેસ્ટ’ જેવું નથી રહ્યું….વગેરે…વગેરે….

વાંધાવચકાથી ભરેલા એ લેખમાં ચાલો એક રેસ્ટોરેન્ટની વાત હોય તો સમજ્યા. પણ આ તો ઘણી બધી ‘રામભરોસે’ થતી હોય ત્યારે??? હાયલા!…આવા સમાચાર દેશની બહાર બહુ જ ફેલાઈ જાય તો….કેટલી ઈજ્જત જાય !!!…ખાણીપીણીનો ધંધો ખુદ પાણીમાં બેસી જાય ને!!!

ત્યારે ‘શાક’મગ્ન થઇ ચિકન સમારતા ગોર્ડનદાસ શેફને કાંઈક થવું જોઈએ…કરવું જોઈએ….’ એવો વિચાર મનમાં તો ઉગી નીકળ્યો. પણ તેને ‘શેફ’-ડિપોઝીટમાં મુકવાને બદલે લોકોની વચ્ચે મુકીને આ વિચારને જ કાપી નાંખવાનો નિર્ણય કર્યો. આઈડિયા દોડાવ્યો કે….

લાવ જોવા તો દે…આ બધાં રેસ્ટોરંટીયાઓ એવી શું ભૂલો કરે છે જેના થકી આપણા નાગરિકોના મન પર કબજીયાત થયો છે.
 
સેલિબ્રિટીઝના સેવક એવા ગોર્ડનસાબને લંડનની ચેનલ-૪ની ઓફિસે (નિયમિત રીતે રામરામ કરનારા) ડાઈરેક્ટર પણ મળી ગયા. ને શરુ કર્યો સાચો જ રિયાલિટી શો!...‘રામસે’ઝ કિચન નાઇટમેર’.

દર અઠવાડિયે એક એપિસોડમાં કોઈક એવી રેસ્ટોરન્ટને પકડી મુલાકાત લેવામાં આવી જેમના વિરુદ્ધ ગ્રાહકો તરફથી ખાટી વાતો સંભળાતી. બ્રધર રામસે કેમેરા લઇ આવી જાતે ઉભા રહી તેમના ખોરાકમાં રહેલી ખાટી બાબતોને જાણી. સર્વિસમાં આવેલી ખોટી બાબતોને પકડી ઉપાય સૂચવ્યો. ને હવેથી એવું ના થાય તે માટે તકેદારી પગલાં પણ કેવા લેવા તેની ટીપ્સ મૂકી.

એટલું જ નહિ… રામસે સાહેબે શરૂઆતમાં જ્યાં જ્યાં જઈ નમક ખાધું હતું ત્યાં ત્યાં થોડાં મહિનાઓ બાદ ફરીવાર તેની મુલાકાત લીધી. અને જે સૂચનો આપવામાં આવ્યા તેના પર અમલ થયુ કે નહીં તેનું મોનિટરિંગ પણ કર્યું.

બસ પછી શું?- ઉજડી જવા ગયેલી ઘણી રેસ્ટોરન્ટસ ઉજળી જવા લાગી. ટેસ્ટ્સ, સર્વિસ અને પરિણામ સુધારાજનક મળે પછી ખાનારને-પીનારને અને પીરસનારને પ્રોફિટ દેખાય એવું આપણે સૌ ધંધાધારીઓને થોરામાં જ ઘન્નું બધ્ધું સમજાઈ ચ જાયે ને!

૨૦૦૯માં રામસે બાપુ એ વર્લ્ડ ઇકોનોમી ક્રાયસિસ દરમિયાન થાળે બેસેલી જણાતી ફૂડ ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રાધાન્ય આપી ચેનલ-૪ પર પોતાના શોમાં વખતોવખત દર્શકોને અપીલ પણ કરી કે “દોસ્તો, તમને સારું જીવવું હોય તો એવી રેસ્ટોરન્ટ ને મરવા ન દેશો જે હજુયે તમને ભાવતું ભોજન આપે છે.”

ચિકન–શાક પકવવાના સામાજીક ધંધામાં ગોર્ડન બાપુના માથે તો ઘણાં માછલાંઓ ધોવાયાની ઘટનાઓ પણ બની છે. પણ તેઓ એ બધીયે ફિશને ‘ટાયટાય -ફિશ’ કરી ફિનિશ કરતા રહ્યા છે. 

આ તો થોડાં જ ફકરાઓમાં ગોર્ડન રામસેના આ ઉદાહરણને કાચું-પાકું બનાવી ગરમ કરી આપ લોકોની સમક્ષ થોડું જ પીરસવું પડ્યું છે. તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે.     
  
બોલો હવે આ બાબા રામસે એ પણ ….આવું સામાજિક કાર્ય…પ્રોફેશનલી! કર્યું ને?

“આપણને ઘણીવાર સાચી વાતો કડવી લાગે છે પણ તેની પાછળ રહેલુ મીઠું પરિણામ સુખાકારી હોય છે.” – આવા વાક્યો જાતે જ પચાવવા ‘જીગર’ જોઈએ….જીગરી દોસ્ત જોઈએ!” ને ‘શેફ’આચાર્ય જેવો મિત્ર પણ…

વેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ!

Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.

– Ralph Waldo Emerson (1803-1882)
ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-
હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….
  • આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
  • એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
  • અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
  • કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
  • ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
  • ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
  • નીલ રહીને હાથમાં કેશ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….
  • ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
  • સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
  • અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…
ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..
પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….

…કેમ?…શું કામ?…શા માટે?…

એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.
આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.
કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે 

‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે  પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.
જેમ કે…
  • મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
  • બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
  • નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
  • ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
  • અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
  • ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…





જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…

પિતાશ્રી‘પંચ’

“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!
 આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

રવિવાર, 18 માર્ચ, 2012

વેપાર વચકો: ‘બદ’નામને બદામમાં ફેરવી નામ કરવાનો એટિટ્યુડ એટલે….?

ઇન્ટરનેટ પર એવી અમૂક સાઈટ્સ છે જ્યાં લોકો વિભિન્ન પ્રોડક્ટ અને સર્વિસની વેલ્યુ શું છે તે જાણવા અને જણાવવા મત આપતા હોય છે. જેવી કે yelp.com. યેલ્પ.કોમ પર લોકો ખાસ કરીને હોટેલ્સ, રેસ્ટોરન્ટની ખાણીપીણી વિશે મતમતાંતર (રિવ્યુઝ) મુકે છે. જેના પરથી જે તે હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું વખતોવખત મૂલ્ય થતું રહે છે.
સાન્ફ્રાન્સિસ્કો શહેરમાં એક પિઝાબાર છે. પિઝેરીયા.કૉમ. શરૂઆતમાં કેટલાંક વિઝીટર્સ દ્વારા આ પિઝેરીયાને માત્ર એક સ્ટાર મળ્યો. ત્યાની સર્વિસ, વર્તણૂંક અને ટેસ્ટ વિશે થોડી નારાજગી દર્શાવવામાં આવી. બસ પછી શું!?!?! થોડાં સમય માટે પિઝા તો ગયા ઓવનમાં. પણ તેની આ બાબતની વાઈરલ અસર થઇ.
 અસામાન્ય સંજોગોમાં આવું થાય ત્યારે તેનો માલિક શક્ય છે કે ગલ્લો બંધ કરી ‘બારમાં વયો જાય’ . યા પછી કોઈક મંત્રીસાહેબની જેમ યેલ્પ.કૉમ વિરુદ્ધ ‘કડક’ શબ્દોમાં વખોડી જરૂરી ‘સખત’ પગલાં લેત.
 પણ આ માલિક જરા ‘હટકે’ નીકળ્યો. પોતાના પિઝાબારના Criticize મામલે આવો કોઈ હલ્લો બોલાવવાને બદલે સ્ટાફમાં જઈ ‘હેલ્લો’ બોલ્યો. આ રીતે….
 “હેલ્લો દોસ્તો!…આવનાર ગ્રાહક એક અઠવાડિયાની અંદર યેલ્પની સાઈટ પર જઈ પિઝેરીયા માટે માત્ર એક જ સ્ટાર પર ક્લિક કરી અહીંથીજ ફિડબેક આપશે તેને આપણી કંપની તરફથી આ ટી-શર્ટ તદ્દન મફત!….”
 આટલું કહી પોતાના પિઝેરીયામાં બધાં જ વેઈટર્સને ‘The Most Criticized & Ridiculous One Star’ ના સ્લોગનવાળું ટી-શર્ટ પહેરાવી ફોટોગ્રાફ્સ લઇ સોશિયલ નેટવર્કની સાઈટ પર ભેરવી દીધાં. ને આવનાર દરેક ગ્રાહકને યેલ્પ માટેની આ ઓફર વિશે જાગૃત કરી મોબાઈલ પર ત્યાં જ ઇન્સ્ટન્ટ પિઝા આપી ફિડબેક પણ મેળવી લીધાં.
 બસ….પછી શું?- આજે યેલ્પ.કૉમ પણ એની સર્વિસથી ખુશ છે અનેપિઝા ખાનાર પણ.
બદનામની બદામ ખાઈને વેપારમેં નામ કરના તો કોઈ શીખે ઇનસે.
 પિઝા ‘હટકે’, તારું આવું કોઈક કામ થયું હોય તો જણાવજો. અને ખાસ તો…આપણા કોઈક વાંચકબંધુ સાન્ફ્રાન્સિસ્કોમાં રહેતા હોવ તો ખાઈ આવી આ બાબતનો ફિડબેક પણ અમને સૌને આપજો પાછા હોં!.  
  • તમારી પર કિચડ ફેંકવામાં આવ્યું હોય ત્યારે કિચડને ‘મડ પેક’માં ફેરવી લલનાઓને ચીટકાવી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસવાળું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી બ્રાન્ડેડ ‘નિમ્બૂ પાની (લેમોનેડ)’ બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસ વગરનું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી અથાણું બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • વરસાદમાં જ્યારે બધો જ માલ ‘પાણીમાં બગડી ગ્યો’ હોય ત્યારે પણ પોતાને ઠંડા અને ગ્રાહકને ગરમ રાખી છત્રી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમે સાચા હોવ ને ખોટા સાબિત કરવાની પેરવી થાય ત્યારે…ખાટા ન બનીને પણ સારા રહેવાની શક્તિ મેળવતા એનર્જી-ટોનિક વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • અરે!….જ્યારે તમારા ગ્રાહકો કે સ્વજનો પણ વાંકદેખા તૂટી પડતા હોય ત્યારે ખાસ…જાત પર સાબૂત રહી ગુસ્સાને બદલે જુસ્સાભેર ગોલ-અચિવમેન્ટ મિશન ચાલુ રાખવાનો એટિટ્યુડ એટલે...પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.

શનિવાર, 10 માર્ચ, 2012

વેપાર વસ્તુ: તંદુરસ્ત ડાળીઓ વધારતું એપલનું નવું જ આઈ‘પેડ’

“એપલની કોઈ પ્રોડક્ટ ખરીદવી એટલે ૯૯ વાર વિચાર કરીને ૧૦૦મી વારે ખરીદવા જવું જ જોઈએ.”

એવું કોઈ કથન સ્ટિવાજી જોબ્સ મહારાજે  કહ્યું નથી. એ તો મારું માનવું છે. અલબત્ત તેની વસ્તુઓ (બીજી પ્રોડકટ્સની સરખામણીએ) મોંઘી જરૂર કહી શકાય. પણ તોયે એના જેવી ૧૦૦% ક્વોલિટી કોણ આપી શકે છે?
નવું આઈ-પેડ (ઇનડાયરેકટલી નંબર-૩ કહી શકાય) જે હજુ સાતમી માર્ચે જ જાહેર થયું. તેના ઓફિશિયલ લોન્ચિંગ પ્રોગ્રામ જોવા માટે બીજાં કામો બાજુએ મુકીને પણ સવા કલાકનો સમય નેટ પર અલગ ફાળવ્યો.  
પણ પછી સવાલ એ થયો છે કે એ ખરીદવું જોઈએ?

મને તો ઘણું જ મન છે. આમ તો કોઈને વગર કહ્યે દેવું કરીને પણ ઘી પી શકું છું. પણ પત્નીને અવગણી કેમ શકાય?!?!?- જ્યાં બીજી ઘણી ઘરેલું વસ્તુઓ માટે હું તેની સાથે ‘બ્રેઇન-વોશ કે સ્ટોર્મિંગ કરતો હોઉં ત્યારે આ બાબતે પણ પહેલા તો તેને મનાવવી પડે ને પછી એ માટે ઉંચી કેશ પણ ચૂકવવી પડે.

…પણ એને કહેવાની હિંમત થાય તો ને? ગયા વર્ષે આઈફોન-4S પર આ લેખ તો લખાઈ ગયો. પણ તેનો અનુભવ મેળવવા માટે અમારા એક સગા-વ્હાલાને મનાવવા પડ્યા એટલે થોડાં દિવસો માટે કામ થઇ ગયું પણ હવે ઈ પેડના બંધાણી (એડિક્શન) થ્યા પછી બાપુ કરે પણ હુ?..?!?!….

ખૈર, એ જ્યારે આવશે ત્યારે વાત. ત્યાં સુધી આ નવા કહેવાતા આઈપેડમાં ઘણું બધું નવું શું આવવાનું છે. એ વિશે તમને સૌને જણાવી દઉં..
  • રેટિના-ડિસ્પ્લે: અત્યાર સુધી કોઈ પણ કોમ્પ્યુટર, ટી.વી કે મોબાઈલમાં ન આવી હોય તેવી દ્રશ્ય-ટેકનોલોજી. સમજોને કે…ભમરાના પગમાં ચોંટેલી પરાગરજ પણ (તેના પગે પડ્યા વગર) ઝૂમ કર્યા વિના જોઈ શકાય.
  • સુપર A5X પ્રોસેસર: સેકંડમાં ચાલુ થઈ એકસાથે ૪-૫ કાર્યો કરી શકે તેવી સંત-ક્રિયા કરવા શક્તિમાન!..એ પણ સતત ૧૦ કલાક સુધી.
  • 4G LTE : સુપર ફાસ્ટ ડાઉનલોડ થઇ શકે એવી અલ્ટ્રા બેન્ડવિથ. ઓનલાઈન ફિલ્મ ક્લિક કરતા જ જોવા મળે…ટૂંકમાં ૩G કરતા ચાર કદમ આગળ. 
  • વોઇસ-ડિકટેશન: બહુ ટાઈપ કર્યું બકા!…હવે બક બક કરીને લખાવડાવવાની તક પણ કી-બોર્ડમાં જ મળશે. (જો જો પાછા રોઝી નામની સેક્રેટરીની રોજી હમણાં ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હોં!)
  • ૫ મેગાપિક્સલ કેમેરા: જ્યાં બીજા કેમેરા ૩.૨ MPથી આગળ ન વધ્યા હોય ત્યારે…પાંચમાં પૂછાઈ શકો તેવા આગળ અને પાછળ ફોટા પાડતો કેમેરો.
  • HD Movie Recording: હોલીવુડ સ્ટાઈલની ફિલ્મો હવે હોમમાં પણ પાડવી હોય તો?…..બીજું કશું નહિ યા હોમ! કરીને એક વાર આઈપેડનો બટન દબાવી દેવાનો…સીના સાથે પસીનો પણ ચોખ્ખો દેખાશે એની ગેરેંટી એ આપે છે…યા આ આ ર!.
  • આઈફોટો પ્રોગ્રામ: મારું માનવું છે કે..એના જેવી ફોટો-ટેકનોલોજીનો નહિ જડે જોટો. ફોટો પાડ્યા પછી (એવી કલાકારીગરી બહુ ન આવડતી હોય તો પણ) તમે એમાં ઘણો બધો ફેરફાર કરી શકો..જેમ કે, લાલ થયેલી આંખને શાંત કરવું તો સામાન્ય છે. સાથે સાથે અંધારામાં કોણ ન દેખાયું હોય તેને અજવાળામાં લાવવા…કાચી લાગતી લીલી કેરીનો રંગ કાચી સેકંડમાં કેસરી કરવો, કચ્છના રણમાં પાડેલા ફોટોને કાશ્મીરના બરફમાં ફેરવવો…વગેરે..વગેરે… (ફોટોશોપ !…અબ તુજે કુછ ઓર કરના પડેગા પ્યારે!)
હઉફફફ…ચિયર્સ કહી કેશ પણ કરી શકાય એટલા લાંબા ફિચર્સ અને પ્રોગ્રામ્સ વાળું લિસ્ટ છે. બધું જોવું હોય યા પછી માણવું હોય તો અમેરિકા કે લંડનમાં રહેતા તમારા કોઈ સગાં કે વ્હાલીને જરા ખરીદવા મજબૂર કરી દેજો. કેમ કે એ દેશોમાં જ આ આવતા વીકે દુકાનમાં આવી જવાનું છે. એટલે તમારું પણ કામ થઇ જાય!
અને…છેલ્લે…

મેં તો મારી પત્નીને આ નવો આઈપેડ લેવા માટે મનાવી લીધી છે. એમ કહીને કે…
“જો દોસ્ત, તારા ડેડી-મમ્મી સાથે ઇન્ડિયા વારંવાર લાઈવ વાત જોવા-કરવાનો આપણે સૌને એક નવો જ મોકો મળી રહ્યો છે. મુક તારા આ ૬ મહિના જુના મોબાઈલને બાજુ પર. ચાલ લઇ આવીએ આ..આઇઇ……ચ્ચ !!!!”

સર‘પંચ’:

આ સાઈમનભાઈ તો એના બીજા આઈપેડ ચમત્કાર અને ચમકાર સાથે પણ હાજર છે.


શુક્રવાર, 9 માર્ચ, 2012

વેપાર-વિચિત્ર: નેટ પર આ રીતે ‘સરળતાથી માર્કેટ’ મેળવી શકાય છે…

સેમસંગ ‘પંચ’

  • અન્ય કોઈ પણ સરળ (કહેવાતું) ઈલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ ઉપકરણ ખરીદી લાવો. ને પછી…
  • કાં તો અધીરા થઇ તુરંત એ વસ્તુને બોક્સમાંથી બહાર કાઢી વાપરવાનું ચાલુ કરી દો. અથવા…
  • શાંત રહી એ વસ્તુ ‘સરળતાથી’ કરી રીતે વાપરવી તેની માહિતી માટે યુઝવલી બોરિંગ થવાય તેવી ૧૦-૧૫ ભાષામાં પ્રિન્ટ થયેલા યુઝર-ગાઈડમાંથી માત્ર એક વાર જાણી. ને પછી…
  • મહિનાઓ બાદ ધૂળ ચડેલી હાલતમાં પસ્તીમાં નાખી દો.
પણ સેમસંગનો (એન્દ્રોઈડ બેઝ્ડ) ટોક્કો-લાઈટ મોબાઈલ લાવો ત્યારે ઉપર મુજબ બધું કરવાને બદલે સાચે જ સરળતા આપે તેવી ગાઈડ પણ કાઢી ને પછી વિડીયો-ક્લિપ મુજબ વાપરવાનું શરુ કરી લ્યો……..


એટલે જ સેમસંગ જેવી કંપની પોતાના આવા ઘણાં ક્રિયેટીવ-કાર્યો વડે આજે એપલ કંપની સાથે ખરી ટક્કર લઇ રહ્યું છે. આવું મેન્યુઅલ કાંઈ ઓટોમેટિક થોડું બની જાય છે….

ગ્રાહકને સરળતા મળે એવી વસ્તુ કે સેવા માર્કેટમાં આપણે આપી તો શકીએ છીએ. પણ ‘સરળતા’ ખરેખર ક્યાં સુધી ટકે છે…?!?!?!  હવે બીજા કરતા સાવ જ હટકે કામ તમે તમારી કોઈક એવી પ્રોડક્ટ માટે કર્યું હોય યા પછી કરવાનો કોઈ પ્લાન હોય તો જણાવશો?

બીજગણિત સર ‘પંચ’

વિષયનું સાચું ‘બીજ’ ગણિત આ રીતે…

સ્કૂલ અભ્યાસ વખતે મને બીજગણિત તરફ અણગમો ખરો. પણ નફરત નહિ.
ત્યારે (A +B)2   =  A2 + 2AB + B2  ખરેખર કઈ રીતે થાય છે?- એ જણાવવા વાળા કોઈ માસ્તર ન હતા. પાછલી પોસ્ટ માં જણાયું તેમ…માસ્તરથી માસ્ટર આમ બતાવીને પણ બની શકાય છે..

હવે તો બીજા ઘણાં હોઈ શકે. પણ આજે માહિતી-મહાસાગરમાં જો આપણને ઘર બેઠે વિડીયો દ્વારા આવા બીજગણિતને બહુ સરળતાથી પચાવવું હોય તો આ માસ્ટર બાવાજી…. ખુરશીદ બાટલીવાલા પાસેથી પણ દિમાગનું ‘ઢક્કન’ ખોલવા શરમાવું જોઈએ?!!!- જરાય નહીં બાપલ્યા!


બોલો હવે તમે ભલે માસ્તર ન હોઈ શકો પણ આવા અનેકવિધ વિષયોમાં સમજાવવાની માસ્ટરી હોય તો ઈન્ટરનેટ પર તમારો વિડીઓ પણ મૂકી શકો છો, તમારી સ્કિલ્સનું વેચાણ આ રીતે પણ થઇ શકે છે…ખરુને? –
એની વે…જ્યારે પણ મુકો એટ-લિસ્ટ આ નેટ-દોસ્તને જણાવજો. સાહેબ!

“વિદ્યાર્થીને સારા માસ્તર કરતા સરળ માસ્ટરની સતત શોધ રહેતી હોય છે.” - મુર્તઝાચાર્ય

બ્લોગ તમારો…લેખ અમારો….વાચા આપણા સૌની! – નેટ વેપાર પર!
 

સોમવાર, 5 માર્ચ, 2012

વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

  • તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
  • તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
  • તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
  • તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
  • તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?
ઉપરના સવાલોમાંથી એક વાર જવાબ ‘હા’ હોય તો આજની લેખ-પોસ્ટ નેટ પર તમારા ભાવિના આલેખને વધુ મજબૂત કરી શકે છે.

સ્કિલશેર.કોમ. www.skillshare.com
 
આ નામ આમ તો આપણને ગમી શકે એટલા માટે કે એમાં ‘શેર’ કરવાની વાત છે…શાયરી કરવાની નહીં . પણ આ સાઈટ તમારી સ્કિલને શેર કરાવી તમારા જ્ઞાન થાકી ‘શાસન’ (કે સાસણ?!) કરાવી શકે છે.
  • તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !
  • પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !
  • કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !
 
શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)

સ્કિલશેરની…તક-વાળી બાબતો:

  • તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
  • “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
  • તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
  • દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
  • તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
  • તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
  • જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.
એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.

“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”- અરેબિક કહેવત.