શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: આપણે સૌ વિદ્યાર્થીઓ, વેપારીઓ, નોકરિયાતો….સાવ જુઠ્ઠા લોકો!


સબૂર… સબૂર… સબૂર…પ્લિઝ દોસ્તો, આજનું આવું ટાઈટલ વાંચી મને દોષ ન દેજો…. મારા પર હૂમલો ન કરતા….આ બાબતે હું ‘સાહિત્યિક નાજુક’ વ્યક્તિ છું. હાય રે!

મારાથી આ બ્લોગજગતમાં આવું કાંઈ ખોટુ બોલાય?….લખાય? તમને સૌને કેટલું ‘ખોટું’ લાગે નહિં?- પણ દોસ્તો! હું બીજું કરી પણ શું શકું જ્યારે મારા માર્કેટિંગ ગુરુ સેઠ ગોડીન જ બોલી-સંભળાવી જાય તો? એમની ‘ગુરુવાણી’ ને થોડી ધિક્કારી શકું?

આ તો ૬ વર્ષ પહેલાં એ શેઠજીએ જ્યારે આવા ‘યુનાઈટેડ જુઠ્ઠાણા’ વિશે ફોર્ચ્યુન મેગેઝીનની કોલમમાં કટકે કટકે વાત કરીને All Marketers Are Liars નામે બૂક બહાર પાડી ત્યારે મને પણ થયું કે માણસે આ ‘જુઠ્ઠાણા’ વિશે વાત તો સાવ સાચી વાત કીધી છે. એટલે એ વાતની અસર જોવા માટે મને પણ આટલાં વર્ષો લેવા પડ્યા.

આપણી એક સાચી માન્યતા છે કે…‘જો દીખતા હૈ વહી બિકતા હૈ!’’-

પણ ઈન્ટરનેટ પર દર સેકન્ડમાં વધતી જતી વેપારીક હરિફાઈમાં તે ખોટી પડી રહી છે. હવે તો જો કહેતા હૈ…જો સુનતા હૈ…જો દીખતા હૈ વહી બીકને જા રહા હૈ.
લાઈફમાં ભલેને આપણે ભગવદગીતા પર, બાઈબલ પર યા કુરાન-એ-શરીફ પર હાથ મુકીને “સચ બોલને કી કસમ” ખાધી હોય કે ન ખાધી હોય પણ..પણ..પણ.. એક વાત તો સાઆઆઅ વ સો ટકે સાચી કે…જ છે કે વેપારમાં અથવા કેરિયરમાં, સંબંધો વિકસાવવામાં, લાભ ખાટી લેવામાં આપણે સૌ રત્નો ઘણી વાર જૂઠનો સહારો લઇ લેતા હોઈએ છીએ.

જસ્ટ યાદ કરી લો….આપણે છેલ્લે જુઠ્ઠુ બસ થોડાં સમય પહેલા જ બોલ્યા હોઈશું……બોલો સાચુ કીધું ને?

સેઠ ગોડીન સાહેબે આ જૂઠના મૂળને પકડી શું સાચું છે એની વાત એમની All Marketers Are Liars માં કરી છે. તદ્દન એવું પણ નથી કે જૂઠી આ દુનિયાના રંગમાં રંગાઈને દરેક લોકો પોતાનો અસલી રંગ છુપાવે છે. પણ સામેની વ્યક્તિને તેને ગમતો રંગ બતાવી ‘સત્સંગ’ કરવામાં માહિર એવી ઘણી વ્યક્તિઓ, વેપારીઓ, કંપનીઓ, મંડળો, જૂથો વગેરે વગેરે…પોતાનો હેતુ સિદ્ધ કરે છે. કેમ કે સાધુ હો યા શેતાન દરેકને પોતાનું કામ સાધવાનું હોય છે.

આ જુઠ એટલી હદે સામેવાળી વ્યક્તિ કે જૂથને અસર કરે છે કે વસ્તુ કોઈ પણ વેચવાની હોય, સેવા આપવાની હોય, તક ઝડપી લેવાની હોય, નોકરી મેળવવાની હોય, મત ભેગા કરવાના હોય, લોકોને ફસાવવા/ફોસલાવવાની બાબત હોય…..જુઠ કે બિના ભી ક્યા જીના ! એની આવી વાત દ્વારા બૂકની શરૂઆત થઇ છે.
        શું કામ, શાં માટે, કેવી રીતે  આવી રચના કે ત્રાગુ કે છટકુ રચવાની લોકોને જરૂર પડે છે…એ વિશે વિગતવાર સાચા પોઈન્ટસ પકડવા હોય તો All Marketers Are Liars ને હાથમાં પકડી લેજો.
 • હું તને પ્રેમ કરું છું, મારી સાથે લગ્ન કરીશ?.
 • સર! અમારી પ્રોડક્ટ બીજી હરીફ કંપનીઓ કરતા ઘણી આદર્શ છે, સસ્તી છે. મજબૂત છે…બોલો મને ઓર્ડર આપો છો?
 • સાહેબ! હું બવ ગરીબ છું. પપ્પા કોઈ કામ ધંધો કરતા નથી. મારા પર ઘર નભે છે એટલે આ નોકરી મને આપો તો ભગવાન તમારું ભલું કરશે.
આવા અડીયલ વાક્યો સમજ્યા વગર, પરિસ્થિતિને સમજ્યા/જાણ્યા વગર… બોલવામાં આવે ત્યારે હાથને બદલે લાફો, ઓર્ડરને બદલે ધક્કો, અને નોકરીને બદલે ‘ના’કારો મળે ત્યારે બીજી આશા નકામી. એવા મજાના સ્વપનશીલ કામો માટે શારીરિક વીરતા બતાવવાને બદલે જેન્યુઈન વાર્તા રચવી પડે છે. હવા મહેલને બદલે માહોલ બનાવવો પડે છે.
        આવું કઈ રીતે બને અથવા બનાવી શકાય?- એ માટે All Marketers Are Liars પુસ્તક લેવા- જવા ખરીદવાની હિંમત કરવી પડશે તો કાંઈક કામ થયું કહેવાય.  

હવે સેઠભાઈએ આવી કઠીન લાગતી બાબતોને એક ઉપાય દ્વારા ઘણી સરળ બનાવી દીધી છે. જેનું નામ છે કથા-વાર્તા.

કથા”!!!…આ શબ્દ કેટલાંક લોકો માટે ‘થાક’ છે અને કેટલાં લોકો માટે ‘થીક-જ્યુસ…એ તો કોણ કેવુ કરે છે અને આપણે એમાંથી શું લઈએ છીએ તેના પર આધાર છે. વેપારના સંદર્ભમાં એ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ વધારે સફળ થઇ છે જેની પાછળ કે સાથે કોઈક કથા રચવામાં આવી હોય. પછી ભલેને એ વાત હેરી પોટરની હોય કે હરિ પુત્રની.

વાતને ગળે ઉતારવા માટે ગળચટ્ટી બનાવવી જ પડે છે. એવું સેઠ સાહેબ આ બૂકમાં મોણ નાખીને કહી ગયા છે. હા! એ વાતનો વસવસો છે કે ગોડીન બાપા ‘આપડા ગુજરાત’માં ફરક્યા નથી. એટલે એમના ઉદાહરણોમાં અમેરિકાની કંપનીઓની જ કથા કરવામાં આવી છે. જો એ લખ્યા પહેલા એક વાર પણ આવ્યા હોત તો ‘કથાકોશ’ નામનો મોટો સંદર્ભ આપણી દરેક લાઈબ્રેરીઓમાં આવી ‘પડ્યો’ હોત.

હવે જો તમને તમારી વસ્તુને/ સેવાને નેટ પર ‘ગ્લોબલાઇઝ્ડ’ જ બનાવવી હોય તો ધોળકાની ધરતીથી બહાર નીકળી ન્યુયોર્કની નદીમાં પણ તરવું પડશે. ‘આહ’ થી વાહ! મેળવવા આવો પ્રવાહ ગુમાવવો ન પાલવે! તો પછી હવે…
 • ઉતારો પેલાં મસાલેદાર મમરાને…મેનહટ્ટનના મેદાનમાં…
 • શેકાવા દો પેલાં ખારા સીંગ-ચણાને સિંગાપોરના સેરેન્ગૂનના ‘લિટલ ઇન્ડિયા’માં…
 • તળાવા દો પંચોતેર પ્રકારના પાપડને પેરિસના પેલેસમાં…
શું કામ?… કયા કયા કારણોસર?…ક્યાં ક્યાં?… કઈ રીતે?- એ વિશે મસ્તાની ભાષામાં જાણવું હોય તો ‘All Marketers are Liars’ ને આંખોમાં વસાવી પડશે. 

આવી કેટલીયે ‘શઠ’ ન બનવાની ‘સાચી’ વાત વાત શ્રી ‘શેઠ’ ગોડીને એમના આવા ‘જુઠ્ઠા’ પુસ્તકમાં કરી છે.
વિશ્વના એક લાખ વીસ હજાર જેટલાં તો ઉદાહરણો હાલ પૂરતા આપવા શક્ય નથી. પણ એટ લીસ્ટ: એવા ગરમાગરમ બજારના ઉત્કૃષ્ઠ દાખલાઓમાં: એપલ કંપની આખે આખી પ્રોડક્ટસ રેન્જ,  ગૂગલની સર્વાધિક સેવાઓ, ફોર્ચ્યુન-૫૦૦ કંપનીઓની કેટલીક પેદાશો, સેવાઓની વાતને આ બૂક દ્વારા ‘ઘન્નામાં પણ થોડી થોડી’ વિગતો આપીને કરવામાં આવ્યું છે.

આ પુસ્તકને હું વાર્તા-માર્કેટિંગની ગીતા નથી કહી શકતો. પણ એમાં વાર્તા રચી માર્કેટની શ્રુષ્ટિ રચવાની વાતની ઉપયો‘ગીતા’ જણાવવામાં આવી છે તેને સ્વીકારી સતત આગળ વધવાની વાત કરું છું.
કર્મ થકી જ તો સ‘ફળ’તા મળે છે ને…આમેય ‘ફ્રિ’ શું મળે છે…?

અંતમાં, હવે આ જુઠ્ઠી વાત વિશે વાંચ્યા પછી સેઠ ગોડીન સાહેબના જ શબ્દોમાં (અલબત્ત મારા શબ્દોમાં) એક ખરેખર સાચી વાત જણાવવી છે…..

“……દરેકે દરેક માર્કેટર, વેપારી, ધંધાર્થી કાંઈ જુઠ્ઠા નથી હોતા. એ તો વાર્તા દ્વારા એમની વાતને તમારા મગજમાં ઠસાવવાની કળા કરે છે. જો તમે સાચી વાતને જુઠથી સાબિત કરી શકો તો એ જુઠ પછી જુઠ નથી રહેતું…….એટલે જ હું પણ આ બુકનું ટાઈટલ લખી થોડું જુઠ્ઠુ બોલ્યો છું. કેમ કે જો એમ ના કર્યું હોત તો તમે મારી બૂક (કે આ બ્લોગ-પોસ્ટ) વાંચવા પ્રેરાત……કે નહિં?”

સચ-સૂર‘પંચ’

ઓયે બલ બી ર!…અબ તુસી બતાઓ તે કી મૈ જુઠ બોલેયા?…..ઇ’કે મૈ કુફુર તૌલેયા… ઇ’કે મૈ ઝહર ઘોલયા….કોયના જી કોયના!”


ગુરુવાર, 14 એપ્રિલ, 2011

વેપારમાં તમારી પર્સનાલીટીને સાવ સાધારણ જ રાખવી હોય તો આવું કરતા રેહજો....

 • ‘મારો પોતાનો વેપાર હવે શરુ કરવો જોઈએ.’... એવું બસ માત્ર વિચાર્યા જ કરજો. પણ શરૂઆત જરાયે ના કરજો, હોં કે! (રખે ને કોઈ ભૂલ-બુલ થઇ જાયે તો ખોટના ખાડામાં પડશો.)
 • કોઈ તમને મોં-ફાટ કાંઈ પણ કહી દે તો એ સ્વીકારી લેજો. તમારી વાત પર હસવા લાગે તો શરમાઈને મો સંતાડી દેજો. (એમ તો કેમ કોઈ કહી જાય, આપડી બી તો કોઈ ઈજ્જત ખરી કે ની!)
 • બિઝનેસ ફેલાવવા માટે બીજી જરૂરી હોય એવી ભાષાઓ શીખવાની તો વાત જ ના કરતા! જો જો એક દા’ડો...આ બધાય ને ‘ઈંગ્લીસ’ તો શીખવું જ પડશે. 
 • સમય આવે તો વેપારને લગતું નવું નવું જાણવાની વૃતિ ટાળજો. (આમેય આપણે તો ‘બવ’ જાણીએ છે હો! વધારે જાણી ને દિમાગનું દહીં ક્યાં કરવુ છે!)
 • ‘આપણી પોતાની ‘વેબ-શાઈટ’ કે બૂક તય્યાર કરીને ધંધામાં તરખાટ મચાવવો છે.’ એવું હંમેશા સ્વપ્ન જોતા રેહજો. (પણ અમલ...જરાયે નહિ કરવાનો. મેહનતની ભેંસને પાણીમાં નાખવી છે કે શું?)
 • એવી યોગ્ય વ્યક્તિ જેને પૂછવો જોઈએ એને ક્યારેય સવાલ ના પુછશો (ઓયે! એને ખરાબ લાગી જશે તો!)
 • વેપારની શરૂઆતમાં દેવું કરીને પણ ગાડી લઇ લેવી પડે તો લઇ લેજો. પણ ધંધાર્થે ડેવેલોપમેંટ કરવા જરૂરી એવો ખર્ચ કરવો પડે તો પાછા વળી જજો. ( અરે ભાઈ તમે સમજ્યા કે....ગાડી જ થી તો સમાજમાં વટ પડે છે ને!)
 • વેપાર ‘વિકસાવવા’ અઠવાડિયાના ૪૦-૪૨ કલાક તો કોમ્પ્યુટર પર જ વિતાવજો. (કેમ નહિ?!!! આખરે ઓન-લાઇન ધંધો કરવા આ કામથી ‘પ્રૉડક્ટિવિટી’ આવતી હોય તો કેમ ના કરીએ!)
 • વેપાર કરવા જરૂરી એવું જોખમ લઇ તમારી જાતને ક્યારેય ધક્કો મારતા નહિ...(પાછું એજ.. પડવાનો ડર. કાંઈ બી થઇ ગયું તો ધંધો કોણ સંભાળશે?)
 • તમને વધારે લોકો ના ઓળખે એમ કોશિશ કરજો. બહુ લાંબા હાથ તો કાનૂનનાં જ સારા. તમ-તમારે એક બોક્સમાં બરોબર ગોઠવાઈને રોજીંદી ઘરેડ મુજબ કામ કરતા રે’જો. તમારી જાતને પૈડાની ધાર પર મુકવા જશો તો ફરતા ફરતા ઉંધા માથે પડશો. (લોકો હસે એવા રંગીલા સાહસો તો કરવાનાજ નહિ!)
 • રેફરન્સ (ભલામણ)થી તો કોઈ કામ કરાવાતા હશે?...(એક વાર એમના એહ્સાનમાં આવી જઇએ તો કાલે આપણને પણ એની મદદ માટે ખોટી દોડાદોડ કરવી પડશે.)
 • હવે આ બધું જાણી વાંચ્યા પછી એક વાત તો જરૂરથી ન જ કરશો....કોમેન્ટ મુકવાની. 
 હું આમેય ક્યા વાંચું છું!

મંગળવાર, 12 એપ્રિલ, 2011

સફળતાના શિખર સુધી સૌ કોઈને સીધો રસ્તો મળતો નથી,
પણ અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી!

આજે વાત કરવી છે એવી કેટલીક ગેર-માન્યતાઓ જે ઈન્ટરનેટ પર વેપાર ન કરવામાં મદદરૂપ થતી હોય છે.
 • મને શીખવું તો છે. પણ ક્યાંથી અને કેવી રીતે શરૂઆત થઇ શકે એની જાણકારી નથી દોસ્ત!
 • આપણને કોમ્પ્યુટર ચ્યોં આવડે છ બાપલ્યા!
 • આ બધી જફાઓ કરતા પેહલા ઘણું બધું શીખવું પડે નહિ!?!?! પૈસો તો બને ત્યારે બને પ્રભુ!
 • બોસ! આપણી આ નાનકડી દુકાન ભલી ને આપણે ભલા....નેટ ઉપર આઈને હું કાંદા કાઢવા છે!
 • આપણી પાસે પૈસો તો છે પણ આ જ ધંધામાં થી ટાઈમ કયા મલે છે મુરબ્બી!
 • ને’એટ પર ધંધા માટે ‘વેપ્શાઈટ’ હોવી જરૂરી છે, સસ્તીને ‘શારી’ શાઈટ કોણ બનાઈ આલે?
 • બધુંયે થઇ શકે, પણ આ બધું કરવા પૈસો જોઈએ પૈસો, આપણી પાસે ક્યાં છે એટલો બધો લાલાં!!!
 • આ બધું ઈન્ટરનેટ પર કરવું અઘરું છે. જો ‘હામે વારી’ પાર્ટીથી છેતરાયાં તો થઇ જાય લાખના બાર હજાર!
 • આવું તો બધાં કરી શકે! એમોં શું ધાડ મારી! કાંઈક નવું કરવા જેવું હોય તો બોલો વડીલ!
 • હવે આ ઉમરે નેટ પર વેપલો!...ઘણું મોડું થયું છે ભઈલા!
 • ભાઈ, મારી પાસે ઝક્કાસ આઈડિયાઝ છે. પણ સાલું ડર લાગે છે કે કોઈ ચોરી જશે તો!?!?!
 • આ નેટ પર ધંધો એટલે બધુંયે હાચુ બતાવું પડે નઈ?...પછી આપડી પ્રાઇવેસી જેવું રહે ખરું, ભૈશાબ!
 બોલો સાહેબો, હવે તમારું શું માનવું છે?

સોમવાર, 11 એપ્રિલ, 2011

જો તમને ઓનલાઇન-માર્કેટિંગ શીખવું હોય તો....


તો શરૂઆત ઓફલાઈન-માર્કેટિંગથી કરવાની આદત પાડવી પડશે.
યેસ! જે શીખવું છે એનો અમલ પણ સાથે-સાથે શરુ કરવો જ પડશે. આપણે ગુજરાતી લોકો ગણતરીબાજો છીએ...એટલે એકાઉન્ટને તો જલ્દીથી શીખી જઈશું..અરે આપણા ફાઈનાન્સને એડજેસ્ટ કરવાની આવડત પણ વખત આવતા આવડી જશે. એ માટે કોઈ મોટા ક્લાસ ભરવાની પણ જરૂર નથી. તો પછી...
શરૂઆત કેમ કરશો?
દા.ત.-૧:  તમારા શહેરમાં કોઈક મસ્ત મજાનો મ્યુઝિકલ ઇવેન્ટ યા ફિલ્મ આવી રહી છે. જે કલાકાર કે ગ્રુપ છે તેના તમે ‘ફેન’ યાં જબરદસ્ત ચાહક છો. તો શોધી કાઢો લોકોને જે તમારા જેવો શોખ ધરાવતા હોય અને આયોજક પાસેથી ગ્રુપ ટીકીટ્સ લઈને આ ગ્રુપને વેચી દો. પ્રોગ્રામ પછી એમનો પ્રતિભાવ જાણીને તમારી ડાયરી યાં બ્લોગમાં શેર કરો. પછી જુવો તમારી માહિતીના ભડાકા.
દા.ત.-૨: તમાર વિષયને લાગતું યાં તમારા મનગમતા લેખકનું કોઈ નવું જ પુસ્તક બહાર પડી રહ્યું છે. હવે એવા વાચકોને શોધી નાખો જે આ સંદર્ભ વિષય કે લેખકમાં રસ હોય. એ લોકો અજાણ્યા હોય તો ઘણું સારું. હવે નીકળી પડો એ પબ્લીશર પાસે જે આ પુસ્તક પ્રકાશિત કરે છે. હજી વધુ....શક્ય હોય તો લેખક પાસે પોહ્ચીને હોલસેલમાં ૨૦-૨૫ કોપિઝ ખરીદી લ્યો. લેખકને મળવાનો અને નફાનું વધુ માર્જિન એવો બેવડો લાભ તો મળશેજ પણ સાથે નવા વાચકોથી દોસ્તી દોર પણ જોડાશે.
દા.ત.-૩: કોઈક એકઝીબીશનમાં એવી પ્રોડક્ટ/સર્વિસ જોવા મળી કે જેનાથી તમે ઘણાં પ્રભાવિત થયાં છો. તમને લાગે છે કે પ્રોડક્ટ/સર્વિસ ‘હોટ કેક’ બની શકે છે (અથવા તમે બનાવી શકો છો) તો મળો એના માર્કેટિંગ મેનેજરને યા મુખ્ય બોસને. એને મળવાનો ટાઈમ અને લાગતી ઇન્ફોર્મેશન મેળવી લો. તમારો એક બીઝ્નેસ કાર્ડ આપીને હવે માંગી લો એના મીનીમમ ૧૦-૧૫ બીઝ્નેસ કાર્ડસ. કન્વિન્સ કરાવો કે તમારા મોકલાવેલા કાર્ડ પર એમને ‘એકઝીબીશન ડિસ્કાઉન્ટ’ આપવામાં આવશે. હવે જેમ બને એમ જલ્દી એવા ૧૦-૧૫ બંદાઓ શોધી કાઢો જેમને તમે આ સર્વીસ વિશે પરિચિત કરાવી શકો (વેચવાની વાત નથી ભાઆઆય!!!). ૧૦-૧૫ દિવસ પછી આ બધાંનો રિવ્યુ જાણી લો. થઇ ગયું તમારું કામ. સમય એનું કામ કરશે ને તમારું માર્કેટિંગ એના ચમત્કારનું....
બોલો હજુ બીજા કેટલાં દાખલાઓ આપું?
માર્કેટિંગ શીખવાનો સૌથી સારામાં સારો રસ્તો....જાતે પ્રોડક્ટ/સર્વિસનું માર્કેટ જાતે શોધી (ના હોય તો બનાવી) એમાં ઉતરી પડો.
‘સર’પંચ: પણ હજુયે પાછો સવાલ હમેશાંનો છે કે...આ માર્કેટિંગ ખરેખર છે શું? શું વેચવું એજ માર્કેટિંગ છે યા એના સાથે બીજું પણ કઈક જરૂરી છે? થોડી રાહ જુવો...નવો આર્ટીકલ આ વિષય પર આવી રહ્યો છે.

રવિવાર, 10 એપ્રિલ, 2011

ઈન્ટરનેટ પર કમાણીનું ચક્કર શરુ કરવું હોય તો આ રહ્યા એના નક્કર પગલાઓ.......


 • દિમાગમાં 'ચક્કરબત્તી' બને એવો એક ઝટકાવાળો આઈડિયા લઇ આવવો. આ આઈડિયાને કોઈ એવી પ્રોડક્ટ કે સર્વિસમાં રૂપાંતર કરી દો જેને ઈન્ટરનેટ પર પણ વેચી કરી શકો.
 • પ્રોડક્ટ કે સર્વિસમાં એવો એક વિશિષ્ટ પોઈન્ટ દર્શાવવો કે જે યુનિક હોય. એના જેવી જ બીજી પ્રોડક્ટ કે સર્વિસ કરતા ફક્ત ૨૦% પણ ઈમ્પ્રુવમેનટ કરી શકાય તો પણ ભયો ભયો...અંગ્રેજીમાં આ ફેકટર USP (Unique Selling Preposition) થી ઓળખાય છે. આ એવી ચાબૂક છે કે જે તમારી સેલ્સ સર્વિસની ઘોડાગાડીને ઝડપી બનાવે છે.
 • તમારું ટાર્ગેટ કોણ લોકો છે તે નક્કી કરવું. આપણી પ્રોડક્ટ/સર્વિસને કયા માર્કેટમાં મુકવું છે તે લક્ષ્ય બનાવવું.
 • તમારો ઈ-મેઈલ અથવા સેલ્સ-લેટર વાંચીને ગ્રાહક બીજું બધુ બાજુ પર મૂકી તમારી પ્રોડક્ટ કે સર્વિસને ખરીદવા દોડી જાય એવી જાહેરાત કરવી.
 • તમારી વેબસાઈટ ઉપર લોકોની ભીડ જમા થતી રહે તેવાં અવનવા નુસ્ખાઓ અજમાવતા રહેવું. ફક્ત સાઈટ જોવા આવ્યા હોય પણ ખરીદીને જાય એવી અસરકારક રચના હોય પછી બીજું જોઈએ પણ શું?
 • આવનાર ગ્રાહક ફક્ત એકવાર પણ ખરીદીને ગયો  હોય તો પણ એના વિષેનો ડેટાબેઝ બનાવવો.
 • ફક્ત વેબસાઈટ બનાવીને બેસી રેહવું એના કરતાં સર્ચ એન્જીનમાં તમારી સાઈટનું રેન્કિંગ વધતું રહે (અને મેઈનટેઇન પણ રહે) તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
 • પ્રોડક્ટ કે સર્વિસના વેચાણ સાથે સાથે બીજી અન્ય વસ્તુઓની ઓફર કરી શકાય એ માટેનાં ઓપ્શન્સ તય્યાર કરવા.
 • ગ્રાહકને પ્રોડક્ટ કે સર્વિસને લગતા સમાચારો સમયસર મળતા રહે તે માટેના ન્યુઝલેટર કે મેગેઝીન્સની વ્યવસ્થા કરવી.
 • એકજ પ્રોડક્ટ કે સર્વિસની કેટેગરીમાં રહીને એ જ લાઈનમાં બીજી કઈ કઈ બાજુએથી કમાણી કરી શકાય એ માટેની તકો શોધવી.