- તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
- તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
- તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
- તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
- તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?
સ્કિલશેર.કોમ. www.skillshare.com
- તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !
- પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !
- કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !
શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)
સ્કિલશેરની…તક-વાળી બાબતો:
- તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
- “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
- તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
- દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
- તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
- તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
- જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.
એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.
“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”- અરેબિક કહેવત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો