શનિવાર, 10 માર્ચ, 2012

વેપાર વસ્તુ: તંદુરસ્ત ડાળીઓ વધારતું એપલનું નવું જ આઈ‘પેડ’

“એપલની કોઈ પ્રોડક્ટ ખરીદવી એટલે ૯૯ વાર વિચાર કરીને ૧૦૦મી વારે ખરીદવા જવું જ જોઈએ.”

એવું કોઈ કથન સ્ટિવાજી જોબ્સ મહારાજે  કહ્યું નથી. એ તો મારું માનવું છે. અલબત્ત તેની વસ્તુઓ (બીજી પ્રોડકટ્સની સરખામણીએ) મોંઘી જરૂર કહી શકાય. પણ તોયે એના જેવી ૧૦૦% ક્વોલિટી કોણ આપી શકે છે?
નવું આઈ-પેડ (ઇનડાયરેકટલી નંબર-૩ કહી શકાય) જે હજુ સાતમી માર્ચે જ જાહેર થયું. તેના ઓફિશિયલ લોન્ચિંગ પ્રોગ્રામ જોવા માટે બીજાં કામો બાજુએ મુકીને પણ સવા કલાકનો સમય નેટ પર અલગ ફાળવ્યો.  
પણ પછી સવાલ એ થયો છે કે એ ખરીદવું જોઈએ?

મને તો ઘણું જ મન છે. આમ તો કોઈને વગર કહ્યે દેવું કરીને પણ ઘી પી શકું છું. પણ પત્નીને અવગણી કેમ શકાય?!?!?- જ્યાં બીજી ઘણી ઘરેલું વસ્તુઓ માટે હું તેની સાથે ‘બ્રેઇન-વોશ કે સ્ટોર્મિંગ કરતો હોઉં ત્યારે આ બાબતે પણ પહેલા તો તેને મનાવવી પડે ને પછી એ માટે ઉંચી કેશ પણ ચૂકવવી પડે.

…પણ એને કહેવાની હિંમત થાય તો ને? ગયા વર્ષે આઈફોન-4S પર આ લેખ તો લખાઈ ગયો. પણ તેનો અનુભવ મેળવવા માટે અમારા એક સગા-વ્હાલાને મનાવવા પડ્યા એટલે થોડાં દિવસો માટે કામ થઇ ગયું પણ હવે ઈ પેડના બંધાણી (એડિક્શન) થ્યા પછી બાપુ કરે પણ હુ?..?!?!….

ખૈર, એ જ્યારે આવશે ત્યારે વાત. ત્યાં સુધી આ નવા કહેવાતા આઈપેડમાં ઘણું બધું નવું શું આવવાનું છે. એ વિશે તમને સૌને જણાવી દઉં..
  • રેટિના-ડિસ્પ્લે: અત્યાર સુધી કોઈ પણ કોમ્પ્યુટર, ટી.વી કે મોબાઈલમાં ન આવી હોય તેવી દ્રશ્ય-ટેકનોલોજી. સમજોને કે…ભમરાના પગમાં ચોંટેલી પરાગરજ પણ (તેના પગે પડ્યા વગર) ઝૂમ કર્યા વિના જોઈ શકાય.
  • સુપર A5X પ્રોસેસર: સેકંડમાં ચાલુ થઈ એકસાથે ૪-૫ કાર્યો કરી શકે તેવી સંત-ક્રિયા કરવા શક્તિમાન!..એ પણ સતત ૧૦ કલાક સુધી.
  • 4G LTE : સુપર ફાસ્ટ ડાઉનલોડ થઇ શકે એવી અલ્ટ્રા બેન્ડવિથ. ઓનલાઈન ફિલ્મ ક્લિક કરતા જ જોવા મળે…ટૂંકમાં ૩G કરતા ચાર કદમ આગળ. 
  • વોઇસ-ડિકટેશન: બહુ ટાઈપ કર્યું બકા!…હવે બક બક કરીને લખાવડાવવાની તક પણ કી-બોર્ડમાં જ મળશે. (જો જો પાછા રોઝી નામની સેક્રેટરીની રોજી હમણાં ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હોં!)
  • ૫ મેગાપિક્સલ કેમેરા: જ્યાં બીજા કેમેરા ૩.૨ MPથી આગળ ન વધ્યા હોય ત્યારે…પાંચમાં પૂછાઈ શકો તેવા આગળ અને પાછળ ફોટા પાડતો કેમેરો.
  • HD Movie Recording: હોલીવુડ સ્ટાઈલની ફિલ્મો હવે હોમમાં પણ પાડવી હોય તો?…..બીજું કશું નહિ યા હોમ! કરીને એક વાર આઈપેડનો બટન દબાવી દેવાનો…સીના સાથે પસીનો પણ ચોખ્ખો દેખાશે એની ગેરેંટી એ આપે છે…યા આ આ ર!.
  • આઈફોટો પ્રોગ્રામ: મારું માનવું છે કે..એના જેવી ફોટો-ટેકનોલોજીનો નહિ જડે જોટો. ફોટો પાડ્યા પછી (એવી કલાકારીગરી બહુ ન આવડતી હોય તો પણ) તમે એમાં ઘણો બધો ફેરફાર કરી શકો..જેમ કે, લાલ થયેલી આંખને શાંત કરવું તો સામાન્ય છે. સાથે સાથે અંધારામાં કોણ ન દેખાયું હોય તેને અજવાળામાં લાવવા…કાચી લાગતી લીલી કેરીનો રંગ કાચી સેકંડમાં કેસરી કરવો, કચ્છના રણમાં પાડેલા ફોટોને કાશ્મીરના બરફમાં ફેરવવો…વગેરે..વગેરે… (ફોટોશોપ !…અબ તુજે કુછ ઓર કરના પડેગા પ્યારે!)
હઉફફફ…ચિયર્સ કહી કેશ પણ કરી શકાય એટલા લાંબા ફિચર્સ અને પ્રોગ્રામ્સ વાળું લિસ્ટ છે. બધું જોવું હોય યા પછી માણવું હોય તો અમેરિકા કે લંડનમાં રહેતા તમારા કોઈ સગાં કે વ્હાલીને જરા ખરીદવા મજબૂર કરી દેજો. કેમ કે એ દેશોમાં જ આ આવતા વીકે દુકાનમાં આવી જવાનું છે. એટલે તમારું પણ કામ થઇ જાય!
અને…છેલ્લે…

મેં તો મારી પત્નીને આ નવો આઈપેડ લેવા માટે મનાવી લીધી છે. એમ કહીને કે…
“જો દોસ્ત, તારા ડેડી-મમ્મી સાથે ઇન્ડિયા વારંવાર લાઈવ વાત જોવા-કરવાનો આપણે સૌને એક નવો જ મોકો મળી રહ્યો છે. મુક તારા આ ૬ મહિના જુના મોબાઈલને બાજુ પર. ચાલ લઇ આવીએ આ..આઇઇ……ચ્ચ !!!!”

સર‘પંચ’:

આ સાઈમનભાઈ તો એના બીજા આઈપેડ ચમત્કાર અને ચમકાર સાથે પણ હાજર છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો