ધારો કે..
- તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
- તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
- તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
- તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
- તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.
શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?
ના ના ના બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !
આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.
જેનું શાબ્દિક નામ: ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ
અને શારીરિક નામ (લેખક): ક્રિસ ગલેબો
.
યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી
નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ
ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે
બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો
કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)
ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની
પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન:
કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ
મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.
ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો
વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા
ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.
ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.
ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’
શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ
લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ
આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.
ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.
મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.
ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી
૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર
બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત
અજમાવી છે.
જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં
બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં
લખ્યું છે, સમજાવ્યું છે.
જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ
બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં
વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી
મહેચ્છા પાર પાડવાની શરૂઆત.
જેમ કે,
- લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
- કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
- મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
- માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.
આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને
પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી
મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.
આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”
એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”
તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ
આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે
છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક
એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up
“દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદના…સરખી જોડાયેલી હોય છે.” -મુર્તઝાચાર્ય
માઈકલ‘પંચ’
ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.
પેલા માઈકલનું થયું શું?
તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો
બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક
પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં)
વેચવાની ઓફર મળી.
જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના
એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ
ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની
સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.
બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે
પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને
એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.
સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.
બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:
જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો