લેબલ માર્કેટિંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ માર્કેટિંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 18 માર્ચ, 2012

વેપાર વચકો: ‘બદ’નામને બદામમાં ફેરવી નામ કરવાનો એટિટ્યુડ એટલે….?

ઇન્ટરનેટ પર એવી અમૂક સાઈટ્સ છે જ્યાં લોકો વિભિન્ન પ્રોડક્ટ અને સર્વિસની વેલ્યુ શું છે તે જાણવા અને જણાવવા મત આપતા હોય છે. જેવી કે yelp.com. યેલ્પ.કોમ પર લોકો ખાસ કરીને હોટેલ્સ, રેસ્ટોરન્ટની ખાણીપીણી વિશે મતમતાંતર (રિવ્યુઝ) મુકે છે. જેના પરથી જે તે હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું વખતોવખત મૂલ્ય થતું રહે છે.
સાન્ફ્રાન્સિસ્કો શહેરમાં એક પિઝાબાર છે. પિઝેરીયા.કૉમ. શરૂઆતમાં કેટલાંક વિઝીટર્સ દ્વારા આ પિઝેરીયાને માત્ર એક સ્ટાર મળ્યો. ત્યાની સર્વિસ, વર્તણૂંક અને ટેસ્ટ વિશે થોડી નારાજગી દર્શાવવામાં આવી. બસ પછી શું!?!?! થોડાં સમય માટે પિઝા તો ગયા ઓવનમાં. પણ તેની આ બાબતની વાઈરલ અસર થઇ.
 અસામાન્ય સંજોગોમાં આવું થાય ત્યારે તેનો માલિક શક્ય છે કે ગલ્લો બંધ કરી ‘બારમાં વયો જાય’ . યા પછી કોઈક મંત્રીસાહેબની જેમ યેલ્પ.કૉમ વિરુદ્ધ ‘કડક’ શબ્દોમાં વખોડી જરૂરી ‘સખત’ પગલાં લેત.
 પણ આ માલિક જરા ‘હટકે’ નીકળ્યો. પોતાના પિઝાબારના Criticize મામલે આવો કોઈ હલ્લો બોલાવવાને બદલે સ્ટાફમાં જઈ ‘હેલ્લો’ બોલ્યો. આ રીતે….
 “હેલ્લો દોસ્તો!…આવનાર ગ્રાહક એક અઠવાડિયાની અંદર યેલ્પની સાઈટ પર જઈ પિઝેરીયા માટે માત્ર એક જ સ્ટાર પર ક્લિક કરી અહીંથીજ ફિડબેક આપશે તેને આપણી કંપની તરફથી આ ટી-શર્ટ તદ્દન મફત!….”
 આટલું કહી પોતાના પિઝેરીયામાં બધાં જ વેઈટર્સને ‘The Most Criticized & Ridiculous One Star’ ના સ્લોગનવાળું ટી-શર્ટ પહેરાવી ફોટોગ્રાફ્સ લઇ સોશિયલ નેટવર્કની સાઈટ પર ભેરવી દીધાં. ને આવનાર દરેક ગ્રાહકને યેલ્પ માટેની આ ઓફર વિશે જાગૃત કરી મોબાઈલ પર ત્યાં જ ઇન્સ્ટન્ટ પિઝા આપી ફિડબેક પણ મેળવી લીધાં.
 બસ….પછી શું?- આજે યેલ્પ.કૉમ પણ એની સર્વિસથી ખુશ છે અનેપિઝા ખાનાર પણ.
બદનામની બદામ ખાઈને વેપારમેં નામ કરના તો કોઈ શીખે ઇનસે.
 પિઝા ‘હટકે’, તારું આવું કોઈક કામ થયું હોય તો જણાવજો. અને ખાસ તો…આપણા કોઈક વાંચકબંધુ સાન્ફ્રાન્સિસ્કોમાં રહેતા હોવ તો ખાઈ આવી આ બાબતનો ફિડબેક પણ અમને સૌને આપજો પાછા હોં!.  
  • તમારી પર કિચડ ફેંકવામાં આવ્યું હોય ત્યારે કિચડને ‘મડ પેક’માં ફેરવી લલનાઓને ચીટકાવી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસવાળું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી બ્રાન્ડેડ ‘નિમ્બૂ પાની (લેમોનેડ)’ બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસ વગરનું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી અથાણું બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • વરસાદમાં જ્યારે બધો જ માલ ‘પાણીમાં બગડી ગ્યો’ હોય ત્યારે પણ પોતાને ઠંડા અને ગ્રાહકને ગરમ રાખી છત્રી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમે સાચા હોવ ને ખોટા સાબિત કરવાની પેરવી થાય ત્યારે…ખાટા ન બનીને પણ સારા રહેવાની શક્તિ મેળવતા એનર્જી-ટોનિક વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • અરે!….જ્યારે તમારા ગ્રાહકો કે સ્વજનો પણ વાંકદેખા તૂટી પડતા હોય ત્યારે ખાસ…જાત પર સાબૂત રહી ગુસ્સાને બદલે જુસ્સાભેર ગોલ-અચિવમેન્ટ મિશન ચાલુ રાખવાનો એટિટ્યુડ એટલે...પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.

સોમવાર, 5 માર્ચ, 2012

વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

  • તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
  • તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
  • તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
  • તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
  • તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?
ઉપરના સવાલોમાંથી એક વાર જવાબ ‘હા’ હોય તો આજની લેખ-પોસ્ટ નેટ પર તમારા ભાવિના આલેખને વધુ મજબૂત કરી શકે છે.

સ્કિલશેર.કોમ. www.skillshare.com
 
આ નામ આમ તો આપણને ગમી શકે એટલા માટે કે એમાં ‘શેર’ કરવાની વાત છે…શાયરી કરવાની નહીં . પણ આ સાઈટ તમારી સ્કિલને શેર કરાવી તમારા જ્ઞાન થાકી ‘શાસન’ (કે સાસણ?!) કરાવી શકે છે.
  • તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !
  • પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !
  • કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !
 
શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)

સ્કિલશેરની…તક-વાળી બાબતો:

  • તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
  • “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
  • તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
  • દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
  • તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
  • તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
  • જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.
એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.

“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”- અરેબિક કહેવત.